સવારામ બાપા રચિત તિથિ અથવા ગગન ગઢ રમવા હાલો

Dec 31, 2022

ક્યાંક સનમાનમાં ચરણ વંદન કરે, ક્યાંક સનમાનમાં વેદવાણી.

ક્યાંક સનમાનમાં કસુંબા રેડીયા, ક્યાંક સનમાનમાં ચા ને પાણી,
ક્યાંક સનમાનમાં કરે તેલ ફુલેલચોળી, નવરાવે અંગ લઈ તાતાં પાણી.

ક્યાંક સનમાનમાં ભોજન વિધવિધનાં, ક્યાંક સનમાનમાં સેકેલી ધાણી,
ક્યાંક સનમાનમાં ગાળો ખાવી પડે, ક્યાંક સનમાનમાં મધુરવાણી.

ક્યાંક સનમાન કરે સિદ્ધ સાચા ગણી, ક્યાંક સનમાન કરે નીચ જાણી,
સવો કહે સર્વનાં કર્મ સૌ ભોગવે, એમાં શું આપણે લાભ કે હાણી.

---

ગગન ગઢ રમવાને હાલો, નીરાશી પદમાં સદા માલો….ટેક

પડવે ભાળ પડી તારી, મધ્યો મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી; ગગન – ૧

બીજે બોલે બહુનામી, ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતર જામી; ગગન – ૨

ત્રિજે તુરઈ વાજાં વાગે, સુરતા મારી સનસુખ રહી જાગે
માહ સુને મોરલીયું વાગે; ગગન – ૩

ચોથે ચંદ્ર ભાણ વાળી, જોવે કોઈ આપાપણાને ટાળી
ત્રીવેણી ઉપર નુર લ્યો નીહાળી; ગગન – ૪

પાંચમ પવન થંભ ઠેરી, લાગી મુને પ્રેમ તણી લેરી
સુરતા મારી શબ્દુમાં ઘેરી; ગગન – ૫

છઠે જોવો સનમુખ દ્વારો, ત્રીવેણી ઉપર નાયાનો આરો
ત્યાં તો સદા વરસે અમર ધારો; ગગન – ૬

સાતમે સમરણ જડયું સાચું, આતો કોઈ વીરલા જાણે વાતું
જડયું હવે આદુનું ખાતુ; ગગન – ૭

આઠમે અકળ કળા એની, વાતું હવે ક્યાં જઈ કરુ વ્રેહની
રહું હું તો શબ્દ નીસીમાં ધેની; ગગન – ૮

નુમે મારે નીરભે થયો નાતો, છોડાવ્યો જમપુરીથી જાતો
સતગુરુએ શબ્દ દીધો સાચો; ગગન – ૯

દશમે જડી દોર તણી ટેકી, મધ્યમાં મળ્યા અલખ એકાએકી
સુરતા મારી દંગ પામી દેખી; ગગન – ૧૦

એકાદશી અવીધટ ધાટ એવો, શબ્દ લઈને સુરતાને સેવો
સદાય તમે સોહં પુરુષ સેવો; ગગન – ૧૧

દ્વાદસી દૂર નથી વાલો, સમજ વીના બારે ફરતો ઠાલો
સુખમણ સાથે પી લ્યો અમર પ્યાલો; ગગન – ૧૨

તેરસે વાળી ત્રિવેણી ઉપર ઘારા, જપુ નીજનામ તણી માળા
પ્રગટ્યા રવી ઉલટાયા અજવાળાં; ગગન – ૧૩

ચૌદસે કહ્યુ ચીત કરે નહી મારુ, થયું ઓચીંતુ અજવાળું
સતગુરુએ તોડયું વજર તાળું; ગગન – ૧૪

પુનમે દેખી પુરણ પદ પામી, મળ્યા જયારે ફુલગરજી સ્વામી
રહે છે સવો ચરણમાં શીસ નામી; ગગન – ૧૫

બધા ભજનિકો એ આ સરસ ભજન ગાયું છે, એમાં પણ નિરંજન પંડ્યા એ ગાયેલ મને વધુ પસંદ પડ્યું. https://www.youtube.com/watch?v=FKcFix8Y7Wg.

Tags: ભજન ગુજરાતી