આંખો ખેંચાવા લાગી

અરે તમે તો વાંચવાનું પણ ચાલુ કરી દીધું. થોડા થોભો તો ખરાં. ઘડીક પોરો ખાવ અને બધાને જાણી તો લો.

તમે જે આ ૧૦ માળનાં મકાનમાં અંદર આવ્યા એ છે, શામજી ડોસાની પેઢી. આશરે ૫૦૦ જણા કામ કરતા હશે અને આ ૫૦૦માંથી એક હું કાનજી. હું અહીં છેલ્લા ૩ વર્ષથી કોમ્પ્યુટરનાં વિભાગમાં કામ કરૂં છે. એમા કાંઈ મોટી વાત નથી. આ અમારો વિભાગ ખાલી ૩ માણસોનો જ છે. જેમાં હું, રવજી અને અમારા બેનો ઉપરી લાલજી. અમે બેય - હું ને રવજી ભેગા થઈને આ શામજી ડોસાની પેઢીના બધા કોમ્પ્યુટર સરખાં કરી અને ક્યારેક બગાડીયે પણ ખરાં. અમે બે એટલાં માટે કે લાલજી અમારો ઉપરી તો ખરો પણ એને બહુ ગતાગમ નથી પડતી. એમ તો એને થોડું આવડે છે, પણ થોડું જ! જો કંઇક મોટું કામ આવી જાય તો એની હેં હેં ફેં ફેં થઇ જાય. અમને બેઉને ખબર છે કે એને અમારાથી અડધું પણ નથી આવડતું, એટલે એને અમે બહુ ગણકારતા નથી. ઉપરાંત અમારાં બેના આ પેઢીમાં અવાથી એના માનપાન પણ ઘટયા છે. એટલે નથી અમે બેઉ એને પસંદ કરતાં નથી એ અમને પસંદ કરતો. અને પેઢીવાળા કામ વગર અમને ત્રણેયને પસંદ નથી કરતાં!

અમે ત્રણેયને સૌથી નીચેનાં માળે એટલે જ્યાં પાર્કિંગ કરવાનું આવે ત્યાં એક ઓફિસ આપવામાં આવી છે. લાલજીને મોટાં થવાનો બહુ શોખ એટલે એને ત્યાં બેસવુ ના ગમે આથી તે બીજાં માંળે પ્રિન્ટરવાળા વિભાગમાં બેઠો હોય. એટલે બચ્યાં અમે બે. જો કોઈનું કોમ્પ્યુટર બગડે તો અમને ફોન કરે એટલે અમે જે તે વિભાગમાં જઈને ફોન કરનારનું કોમ્પ્યુટર સરખું કરી આપીએ પણ એ ફોન કરનારની વાત કરવાની રીત ઉપર નિર્ભર છે, જો હવામાં વાત કરે તો બગાડી પણ આપીએ અને રાત્રે મોડે સુધી બેસાડીએ પણ! આ ઉપરાંત અમે પેઢીનું સર્વર પણ સાંભળીયે છીએ જેના પર કંપનીની વેબસાઈટ રાખી છે અને બીજો કેટલોક ડેટા પણ. આ સર્વર લાવનાર રવજી. રવજીને એમા બધી ખબર પડે. એમ તો મને પણ પડે પણ રાવજીને મારા કરતાં વધુ. રવજી આ પેઢીમાં છેલ્લા ૬ વર્ષથી નોકરી કરે છે (અને લાલજી ૮ વર્ષથી). એટલે આ પેઢીનાં એક-એક કોમ્પ્યુટરની એને ખબર હોય. મને જ્યારે ના ખબર પડે કે ક્યાંક ગૂંચવાઈ જાવ ત્યારે મારે ભગવાનની સાથે રવજીને પણ યાદ કરવો પડે. અને એ માણસ સારો એટલે મને ક્યારેય નાં ન પડે.

આમ, મેં તમને પરિચય કરાવ્યો ત્રણ પાત્રો નો જેમાં એક હું, રવજી અને લાલજી. ચાલો તો હવે અંદર આવો અને જોવો શુ ચાલે છે ડોસાની પેઢીમાં.

---

લાલજી દોડતો એના ટેબલ પર જઈને બેસ્યો અને ત્યાંથી મોટેથી સાદ પાડ્યો “રવજી. કાનજી ને લઈને અહીં એવો ને, બે મિનિટ કામ છે તમારું.”

“એ આવ્યાં.” અને અમે બંને લાલજી પાસે જઈને એની સામેની ખુરશીમાં જઈને બેઠા.

“મારે હમણાં શામજી ડોસાના દીકરા કાંતિ ડોસાની સાથે મિટિંગ થઈ. તમને ખબર હશે કે, આ પેઢીનો બધો હિસાબ આપણે માર્ચ સુધીમાં પતાવો પડે.”

“હા, લાલજીભાઈ.”

“અત્યારે જાન્યુઆરી ચાલે છે અને કાંતિભાઈનું કહેવું છે કે જો આજ ગતિથી કામ ચાલશે તો માર્ચ સુધીમાં કામ પતે એવું લાગતું નથી આથી આપણે ૨૪ કલાક કામ કરવું પડશે.”

“ઓહ. પણ એ તો પેઢીના હિસાબનું કામ એમાં આપણે શી મદદ કરી શકીએ?”

“એ વાત તારી સાચી કાનજી, પણ એ લોકો ૨૪ કલાક કામ કરે તો આપણે પણ ૨૪ કલાક એમની સાથે રહેવું જોઈએને. કોઈનું કોમ્પ્યુટર બગડે તો?”

“વાત તમારી સાચી છે.”

“આથી, મેં કાંતિભાઈની સલાહ અનુસાર એવું નક્કી કર્યું છે કે, આપણો વિભાગ પણ ચોવીસ કલાક હાજર રહેશે. સવારનાં ૮ થી બપોરના ૪ સુધી હું, બપોરનાં ચારથી રાતનાં ૧૨ સુધી રવજી અને રાતનાં ૧૨થી સવારનાં ૮ સુધી કાનજી” અને લાલજીએ આમ અમને ટાઇમ ટેબલ આપ્યું.

“હા બરોબર છે.” કહી અમે બંનેએ હકારમાં સહમતિ આપી.

“તો આજે બુધવાર છે, આ ટાઇમ ટેબલ સોમવારથી લાગુ પડશે એટલે હું આવતા સોમવારે સવારે ૮ વાગે આવીશ, રવજી તું બપોરે ૪ વાગે અને કાનજી તું રાત્રે ૧૨ વાગે આવજે. અને જ્યાં સુધી બીજો વ્યક્તિના આવે ત્યાં સુધી પહેલા વ્યક્તિ ને પેઢી છોડવી નહીં.”

“જી બરાબર” કહી અમે બંને લાલજીની ઑફિસથી બહાર નીકળ્યા અને પોતપોતાના ટેબલ પર જઈને બેઠાં.

“કાનજી, ભાઈ બે મહિના માટે આપણે અલગ થઈ છીએ, ગેમ સાથે નહીં રમાય.”

“હા રવજી. પણ બે મહિનાનો જ સવાલ છે ને. હમણાં ૨ મહિના આમ પતી જશે, મોજ કારોને.”

“એતો છે જ ને.”

“પણ રવજી મને એક વાતની ના ખબર પડી કે, કાંતિ ડોસા સાથે આની મિટિંગ કાંઈ રીતે થઈ?”

“એલા એમાં કાંઈ મોટી વાત નથી, સવારે કાંતિભાઈએ બધા વિભાગના વડાની મિટિંગ બોલાવી હતી અને, પહેલાની જેમ જ, આપણા વિભાગને કેવાનું ભુલી ગયા!”

“પછી?”

“પછી શું, લૉન વિભાગના હસુભાઈ એ મિટિંગમાં વાત કરતી વખતે કીધું કે, અમે તો ૨૪ કલાક કામ કરવા તૈયાર જ છીએ પણ અમારામાંથી કોઈનું કોમ્પ્યુટર બગડ્યું તો શું કરીશું, કોમ્પ્યુટરવાળા હશે ખરા ત્યારે?”

“અચ્છા!”

“હા, અને ત્યારે કાંતિભાઈનું ધ્યાન ગયું કે, કોમ્પ્યુટરના વિભાગને મિટિંગમાં બેલવાનું રહીજ ગયું છે એટલે એને પાછળથી લાલજી સાથે મિટિંગ કરી. બાકી તને લગે છે અને કોઈ બોલાવે?”

“સિવાય કે પ્રિન્ટર વિભાગ વાળા.”

“હાં, પ્રિન્ટર વિભાગ વાળા એને બોલાવે ખાલી” અને આમ અમે વાતો કરતાં કરતાં કામે વળગ્યા.

---

“હેલ્લો, કોમ્પ્યુટર વિભાગ? હું લૉન વિભાગમાંથી બોલું છું, મારુ કોમ્પ્યુટર અચાનક જ બંધ થઈ ગયું છે. તમે જરા આવીને જોવી જાશો?”

“જી આવ્યો” કહીને મેં સોમવારે રાત્રે ૨ વાગે ફોન મુક્યો અને લૉન વિભાગમાં જવા માટે લિફ્ટ પાસે ગયો.

હજી તો મેં લૉન વિભાગમાં પગ જ મુક્યો હતો કે, ડાબી બાજુ થી બૂમ આવી, “કાનજીભાઈ, અહીં આવો મારુ કોમ્પ્યુટર બગડ્યું છે.”

અને હું એમની પાસે ગયો “બોલો શુ થયું?”

“અરે ખબર નહીં, હું કામ કરતો હતો ને અચાનક જ કોમ્પ્યુટર બંધ થઈ ગયું.”

“અચ્છા, બે મિનિટ તમારી ખુરશી દૂર કરો તો, મારે નીચે પ્લગ જોવા છે.” એમ કહીને નીચે નમ્યો અને જોયું તો CPUનો વાયર જ નીકળી ગયો હતો. એને પાછો લગાવ્યો ને કોમ્પ્યુટર ચાલું થઈ ગયું.

“ભાઈ, આ પ્લગ નીકળી ગયો હતો એટલું જ બાકી કોમ્પ્યુટરને કાંઈ નથી થયું.”

“ઓહ! ખૂબ ખૂબ આભાર કાનજીભાઈ મને લાગે છે પગ લાંબા કરતા ત્યાં પ્લગે અડી ગયા હશે.”

“અરે કોઇ વાંધો નહીં” કહેતા હું પાછો વાળ્યો ને મારા ટેબલ પર જઇને બેસ્યો.

મેં પેલા કીધું હતું એમ, આમાં કાઈ હરખવા જેવું નથી, મોટા ભાગે તો હું આવાજ કામ કરતો હોય છું પેઢીમાં. ક્યારેક કોઈકના CPUનો વાયર નીકળી ગયો હોય તો ક્યારેક મોનિટરનો, તો વળી ક્યારેક કોમ્પ્યુટર ને ચાલુ કરવાનું જ ભૂલી ગયા હોય. બે-ચાર ફોનને બાદ કરતાં મારે રાત્રે મારે બહુ કામ નથી હોતું આથી, સર્વર ના લોગની સ્ક્રીન ખોલીને રાખું અને ટેબલ પર પગ ચડાવી એકાદ ઝબકી પણ લાઇ લવ.

---

રાત પાલી શરૂ કરીને બે દિવસ જ થયાં છે ને હું તોબા પોકારી ગયો છું. રાત્રે બે વાગે ને આંખો ઘેરાય. નાની એવી ઊંઘ લઈને ઉઠું પછી તો જે આંખો ખેંચવાનું ચાલું થાય છે, કે ના પૂછો વાત. અરે એટલે સુધી કે, ૫ મિનિટથી વધુ હું સ્ક્રીન સામે જોવી નથી શકતો. મને લાગે છે મારે મારા કોમ્પ્યુટરની જે થીમ છે એ બદલાવી પડશે. કેમકે, રાત્રીમાં આજુબાજુ અંધારું હોય અને સ્ક્રીન ખૂબ જ અજવાળું ફેકતી હોય એટલે આંખો પર જોર પડે એ સ્વાભાવિક છે. આથી, આના ઉપાય રૂપે મેં થીમ બદલવાનું નક્કી કર્યું. અને કોઇ કાળી થીમ રાખવાનું નક્કી કર્યું જેથી આંખો ના ખેંચાય. પણ, મને તો ખબર નથી કે કંઈ રીતે થીમ કોમ્પ્યુટરમાં કાઈ રીતે નખાય, કઇ રીતે વપરાય. એમાં પાછો રવજી પણ નથી એટલે બધું જાતે જ સમજવું પડશે અને કરવું પડશે. ચાલો ત્યારે એના માટે કામે લાગુ.

બે કલાક સુધી થીમ ઉપર શોધખોળ કરી અને કાંઈક કેટલું જાણવા મળ્યું. પણ એની પેલા મારા કોમ્પ્યુટર વિશે તમને જાણકારી આપી દવ.

હું, GNU/Linux વાપરું છું અને એનું ડેસ્કટોપ GNOME છે જે સાથે જ આવે છે. જો મારે થીમ બદલાવી હોય તો પેલા કાળી થીમ ગોતવી પડે અને એને ડાઉનલોડ કરવી પડે. બને ત્યાં સુધી હું એવી જ થીમ પસંદ કરું જે GNU GPL v3 લાયસન્સ હેઠળ આવતી હોય જેથી હું એનો કોડ જોવી શકું અને મને એ વાતની ચિંતા ના રહે કે, કોડમાં કાઈ એવું તો નથી લખ્યુને કે જે મારા પર, મારા કામ પર અને મારા કોમ્પ્યુટર પર હું શું કરું છું એનું ધ્યાન રાખતું હોય.

ઈન્ટરનેટ પર ગોતતા મને samaji કરીને એક થીમ મળી જે કાળી છે અને GNU GPL v3 હેઠળ પણ આવે છે. એની મેં README ફાઈલ વાંચી તો ખબર પડી કે મારે એને મારા કમ્પ્યુટરમાં નાખવાં માટે sudoનાં હક્કો જોઈએ. અને મારે Tweak Tool કરીને એક સોફ્ટવેરની પણ જરૂર પડે જેની મદદથી હું એ થીમને સેટ કરી શકું. ઓ તેરરી! મારી પાસે તો sudoના હક્કો જ નથી. આથી, આ થીમને નાખવી કઈ રીતે અને કઈ રીતે નાખવો આ સોફ્ટવેર! ભારે કરી લાલજીએ. sudoના બધા હક્કો તો એની પાસે છે. તો હવે?

મારે એને કહેવું પડશે કે adminના હક્કો આપો કે પછી આ થીમ અને Tweak Tool નાખી આપો. ચાલો એતો હોવે મને સવારે ભેગો થશે. આથી, હવે કામે લાગીએ અને સવારે જ્યારે લાલજી આવે ત્યારે એને ઉપર પ્રમાણે વાત કરીને થીમ બદલાવી નાખું.

---

“અરે લાલજીભાઈ, મારે તમારું એક કામ હતું. રાત્રે અંધારાં ના લીધે ઘણી વાર આંખો ખેંચાય છે તો હું વિચારતો હતો કે કોઇ એવી થીમ નાખું જેથી આંખો ના ખેંચાય.”

“હા તો વાંધો નહીં કરી નાખો.”

“પણ એમાં એવું છેને કે મારે એક સોફ્ટવેર નાખવો પડે એમ છે, જેમાં તમારી જરૂર પડે એવું છે.”

“એવું છે એમ ને. એક કામ કરો. તમારે જે સોફ્ટવેર નાખવો છે એની મને વિગતો અને લીન્કો ઇ-મેઇલમાં મોકલી આપો જેથી એમાં હું જોવી શકું અને પછી કંઈક કરીએ.”

“ઠીક છે.”

આ લાલજીને મારે હમણાં જ ઇ-મેઇલ કરવો પડશે નહીં તો એ એક દિવસ એમ ને એમ ટપાડશે. ચાલો ઘરે જઈને તરત જ ઇ-મેઇલ કરી દવ. ઘરે પહોંચીને મેં કૈક આ પ્રમાણે ઇમેઇલ કર્યો:

શુભ પ્રભાત લાલજીભાઈ, 

    હું GNU/Linux સિસ્ટમ વાપરું છું, જેમાં GNOME કરીને ડેસ્કટોપ આવે છે અને એની થીમ 
ambience છે. પણ એ રાત્રે મને ફાવતી નથી કેમકે એનાં વધુ પ્રકાશથી મારી આખો ખેંચાય છે. 
આથી, મારે મારા કોમ્પ્યુટરમાં થીમ બદલવી છે. એ થીમ છે, samaji જે ડાર્ક થીમ છે અને એ 
કાળી હોવાથી મારી આંખો ખેંચાશે નહિ. આ થીમને કઈ રીતે નાખવીં એની વધુ માહિતી આ લિંકમાં છે. 

આભાર સહ, 
કાનજી 

અને મેં એક કલાક સુધી લાલજીના રીપ્લાયની રાહ જોયી. અંતે 2 વાગ્યાની આસપાસ એનો વળતો રીપ્લાય કાંઈક આ પ્રમાણે આવ્યો.

મિત્ર કાનજી, 

તારો ઈ-મેલ મને મળ્યો અને તારી પરિસ્થિતિ વિષે પણ મને ખબર પડી. આ ઉપરાંત તે જે મને લિંક
આપી હતી એ પણ મેં ચેક કરી. 

પણ મને કહેતા અફસોસ થાય છે કે એમાં હું તારી મદદ કરી શકું એમ નથી કારણ કે, આપણા સિસ્ટમ 
બહુ જ મહત્વના છે જેમાં હું બને ત્યાં સુધી sudo વાપરતો નથી. રખેને જો કઈ થઇ જાય તો બહુ 
મોટી તકલીફ પડી જાય પુરી પેઢી ને. 

બીજી વાત, એક થીમ બદલવા માટે પુરે પૂરો સિસ્ટમ સોફ્ટવેર Tweak Tool નાખવો પડે - એ 
થોડું મને અજુગતું લાગે છે. ભલે તમને GNU GPL v3 માં રસ હોય પણ હું એમાં થોડો ઓછો 
માનુ છું. 

બેઝિકલી, હું સ્ટીવને ફોલો કરવાવાળો માણસ છું. 

આભાર સહ, 
લાલજી 
લીડ, ડોસા પેઢી 

અને આમ મને આડકતરી રીતે લાલજીએ ના પડી દીધી. હવે, મારાથી કઈ થાય એવું નથી જે ચાલે એ એમ જ બે મહિના સુધી ચાલવું પડશે.

પણ એના પછીના અઠવાડિયા સુધી મગજમાંથી આંખ ખેંચવાને લાગતો વેમ અને તકલીફ ગઈ નહિ. જેનું અંતનું પરિણામ એ આવ્યું કે મને સાચે જ આંખને લગતી બીમારી થઇ ગઈ અને ના છૂટકે માંરે ર દિવસની રજા લેવી પડી. પણ ઘરે બેઠા-બેઠા વિચાર તો થીમ નો જ આવતો હતો કે કરવું શું? કેમ કે બે દિવસ પછી પાછું ઑફિસે જ જવાનું છે અને એ જ કોમ્પ્યુટર સામે રાત્રે કામ કરવાનું છે. ચિંતા ઓછી નથી કરવું શું મારે…