રમણ મહર્ષિ પાસે વાંદરા પ્રેમથી આવતા. તેમની સાથે એવો ઘરોબો ધરાવતા કે મહર્ષિ તેમની સાથે વાતચીત કરી સમસ્યાઓ ઉકેલતા ! તેમને વાંદરાના વર્તન વિષે સારું એવું જ્ઞાન હતું. મહર્ષિ કહેતા કે “વાંદરામાં રાજા હોય છે. તેની વચ્ચે યુદ્ધ અને શાંતિ પણ થાય છે. જો કોઈ વાંદરો મનુષ્યોની સંગતમાં રહી પાછો આવે, તો તેને સાધારણ રીતે ટોળામાં પાછો સ્વીકારવામાં આવતો નથી.” મહર્ષિ પાસે આવનારાં વાંદરાને નાત બહાર મુકાતા નહીં. વાંદરાના જુદા જુદા દળોમાં ઝઘડા ઉત્પન્ન થઈ જતાં ત્યારે ન્યાય માટે તેઓ મહર્ષિ પાસે આવતા. તેઓ બંને પક્ષની વાતો ધ્યાનથી સાંભળી પછી અંદરઅંદર પાછો મનમેળ કરાવી દેતાં.
એક વાર એવું બન્યું કે વાંદરાના રાજાએ એક વાંદરાના બચ્ચાને બચકું ભર્યું. બચ્ચું બેભાન થઈ ગયું. રાજાએ માન્યું કે તે મરી ગયું છે. રાજા ભાગી ગયો. બચ્ચું મરી ગયું ન હતું. તે લંગડાતું લંગડાતું વિયુપાક્ષી ગુફાએ પહોંચ્યું. મહર્ષિએ તેને પાટાપિંડી કરી સારું કર્યું. તેના ટોળાના વાંદરા આવી બચ્ચાને સમજાવીને પાછું લઈ ગયા. આ બચ્ચાનું નામ ‘નોડિ’ (લંગડો) રાખવામાં આવેલું. ‘નોડિ’ મહર્ષિ પાસે આવી તેમના ખોળામાં બેસી જતું. મહર્ષિ તેને ખવરાવતા. ‘નોડિ’ એવી રીતે ખાતું કે જમીન ઉપર અન્નનો એક પણ દાણો વેરાતો નહીં. એક વાર તેણે અન્નના દાણા વેર્યા એટલે મહર્ષિએ તેને ટોક્યું. ‘નોડિ’ને ખીજ ચઢી. તેણે મહર્ષિને આંખ ઉપર એક લપડાક લગાવી દીધી. મહર્ષિ શાંત રહ્યા. તેમણે બચ્ચાને પાઠ શીખવવા ખોળામાં બેસાડવાનું બંધ કર્યું, બચ્ચાને પોતાના કાર્યનો પસ્તાવો થતો હોય તેમ તેણે મનામણાં શરૂ કરી દીધાં. મહર્ષિના પગ પાસે આળોટીને માફી માંગતું હોય તેવું વર્તન કરવા લાગ્યું. મહર્ષિએ તેને માફી આપી ફરીથી ખોળામાં બેસાડવાનું શરૂ કર્યું. બચ્ચું ખુશ થઈ ગયું.
~ યોગશક્તિનાં ગૂઢ રહસ્યો પુસ્તકમાંથી