ભાવાવેશ અને જ્ઞાનતંતુઓની નબળાઈ વચ્ચેનો તફાવત

નરેન્દ્રનાથ જેવો બુદ્ધિશાળી યુવક આ બધાની પાછળ રહેલી નિર્બળતા અને દંભ શી રીતે સહન કરે? એની તીક્ષ્ણ બુદ્ધિને લાગ્યું કે એ ભકતો એક જોખમી માર્ગે જઈ રહ્યા છે. એક દિવસ એણે એ ભક્તોને ચેતવણી આપતાં કહ્યું: “જે ભાવાવેશની પાછળ જીવનપરિવર્તન ન હોય, હૃદયમાં ઈશ્વરદર્શનની તાલાવેલી ન હોય, અને કામિનીકાંચનના ત્યાગની ઇચ્છા ન હોય, તેવો ભાવાવેશ ઊંડો નથી હોતો અને તેથી જ આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં તેનું કશું મૂલ્ય નથી. આવા આભાસી ભાવાવેશથી થતા શારીરિક વિકારો-આંસુ, રોમાંચ અને ક્ષણિક આવેશ-ખરી રીતે તો જ્ઞાનતંતુઓની નબળાઈ બતાવે છે; અને પ્રયત્ન કરીને પણ એનો સંયમ કરવો જોઈએ. એવા સંયમ વિના આવું ચાલુ રહે તો એ શારીરિક અને માનસિક વ્યાધિનું લક્ષણ સમજવું. આધ્યાત્મિક પંથે જનારાઓમાંથી સેંકડે એંશી ટકા ધૂર્ત હોય છે, પંદર ટકા ગાંડા બની જાય છે અને બાકીના પાંચ ટકા જ ખરેખરા સત્યની ઝાંખી કરવા જેટલા ભાગ્યશાળી બને છે. માટે સાવધાન !”

પહેલાં તો નરેન્દ્રનાથની આ ચેતવણીને કોઈએ ગણકારી નહિ, પરંતુ થોડા જ વખતમાં આ ચેતવણી સાચી પડી. ધીમે ધીમે સાચી હકીકતો બહાર આવવા લાગી. કેટલાક ભક્તોએ ભાવાવેશના પ્રયોગોની ઘેર તાલીમ કરી લીધી; કેટલાક કેવળ નકલ કરતા હતા. હવે નરેન્દ્રનાથે બુદ્ધિનો ઝપાટો માર્યો. કેટલીક વાર તો આવા ભક્તોની ઠઠ્ઠામશ્કરી કરીને એ તેમને ભોંઠા પાડતો અને કેટલીક વાર પૌષ્ટિક ખોરાક ખાવાની સૂચના કરતો. વિવેકબુદ્ધિ અને પવિત્રતાને ભોગે થતા ભાવાવેશને તે તીખી ભાષામાં વખોડતો. પોતાના યુવાન ગુરુભાઈઓ સમક્ષ ત્યાગ-વૈરાગ્યના આદર્શો સ્પષ્ટ રજૂ કરીને એમના આંતરિક બળને જાગ્રત કરવાનો પુરુષાર્થ કરતો; જગતના ભોગના પદાર્થો પ્રત્યે તીવ્ર વૈરાગ્ય પેદા થાય એવાં ભક્તિ, તપ તેમ જ તિતિક્ષાના ભાવથી ઊભરાતાં ભજનો એ સૌની પાસે ગાતો. શ્રીરામ-કૃષ્ણની સાચી મહત્તા વિષે તથા એમના ભવ્ય સાધનાકાળ વિષે હ્રદયને હલાવી મૂકે એવા ભાવપૂર્વક એ વાતો કરતો. ખરેખર, શ્યામપુકુરમાં આ રીતે વિવેક-બુદ્ધિનો ઝંડો ફરકતો રાખીને નરેન્દ્રનાથ એક અનોખા જ પ્રકારની ગુરુસેવા કરી રહ્યો હતો.

~ શ્રીરામકૃષ્ણદેવ પુસ્તકમાંથી